અમદાવાદ શહેરના પોશ વિસ્તાર સિંધુ ભવન રોડ પર આવેલા એક બંગલામાં ચાલતા હાઈ પ્રોફાઈલ જુગારધામનો બોડકદેવ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે બંગલામાં રેડ પાડીને ઓટોમોબાઈલ વેપારી એવા બંગલાના માલિક સહિત ૧૧ જેટલા હાઈ પ્રોફાઈલ જુગારીઓને રોકડ અને કરોડો રૂપિયાની કાર સાથે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી શહેરમાં ચાલતી આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર ફરી એકવાર પોલીસનો સપાટો બોલી ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, બોડકદેવ પોલીસને બાતમી મળી હતી કે સિંધુ ભવન રોડ પર આવેલા અશ્વવિલા નામના બંગલા નંબર-૧૮માં મોટા પાયે જુગારધામ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતની ટીમે મોડી રાત્રે અશ્વવિલા બંગલામાં ઓચિંતો દરોડો પાડ્યો હતો.
પોલીસે જ્યારે બંગલામાં રેડ કરી ત્યારે અંદરના ભાગે જુગાર રમી રહેલા ૧૧ જેટલા ઈસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ જુગારધામ બંગલાના માલિક શેફુ ઉર્ફે સ્નેહ કુમારપાલ શાહ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. શેફુ ઉર્ફે સ્નેહ શાહ વ્યવસાયે ઓટોમોબાઈલ ગાડી લે-વેચનો વેપાર કરે છે. ચોંકાવનારી વાત એ છે કે જુગાર રમાડનાર શેફુ ઉર્ફે સ્નેહ શાહ વિરુદ્ધ અગાઉ પણ ક્રિકેટ સટ્ટાના કેસ થઈ ચૂક્યા છે.