રાજકોટમાં ઈંદિરા સર્કલ નજીક ટ્રાફિક સિગ્નલ ખુલતાની સાથે જ સિટી બસચાલકે એક સાથે બે રિક્ષા અને પાંચથી છ વાહનોને લીધા અડફેટે. જેમાં ઘટનાસ્થળે ત્રણ લોકો અને સારવાર દરમિયાન એક વ્યક્તિ ,એમ કુલ ચાર લોકોના મોત થઈ ગયા..અને 3 લોકો ઘાયલ થયા. દુર્ઘટનાના સીસીટીવી પણ આવ્યા સામે.જેમાં જોઈ શકાય છે કે જેવું સિગ્નલ ખુલ્યું કે બસચાલક અંદાજે 200 મીટર સુધી અટક્યા વિના એક બાદ એક વાહનોને અડફેટે લેતો ગયો..ઘટના બાદ લોકો રોષે ભરાયા અને બસમાં તોડફોડ મચાવી. ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાને પણ માર મારતા ઈજાગ્રસ્ત થયો..એ હદે લોકોમાં રોષ જોવા મળ્યો કે પોલીસને સ્થળેથી મૃતદેહ પણ ન ઉપાડવા દીધા...જેથી ભીડને કાબુમાં લેવા પોલીસે હળવો બળપ્રયોગ પણ કરવો પડ્યો. હાજર લોકોએ આરોપ લગાવ્યો કે બસચાલકે નશાની હાલતમાં અકસ્માત કર્યો. તો સિટી બસનો હવાલો સંભાળતા કોર્પોરેશનના અધિકારીનું કહેવું છે કે બસના કંડક્ટર મુજબ બ્રેઈક ફેઈલ થઈ ગઈ અને અનેક પ્રયાસ છતાં બસ રોકાઈ નહીં. ઘટનાની ગંભીરતાને જોતા તપાસ પણ તાત્કાલિક શરૂ થઈ. ડ્રાઈવરની સામે સાપરાઘ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો. તપાસમાં એ પણ ખુલાસો થયો કે ડ્રાઈવરનું લાયસંસ એક્સપાયર થઈ ગયું હતું. આ મામલે મનપા પોતે ફરિયાદી બનીને સિટી બસ એજંસી વિશ્વમ એજંસી સામે પગલાં ભરશે સાથે મૃતકોના પરિવારને 15 લાખ અને ઈજાગ્રસ્તોને બે લાખની સહાયની જાહેરાત કરવામાં આવી.. મૃતકોના પરિવારોમાં આક્રોશની સાથે આક્રંદ છે.