ગર્ભ પરીક્ષણના ગોરખધંધામાં 19 ઓગસ્ટ 2021માં ઝડપાયેલ મહિલાની રાજકોટ પોલીસે ફરી એકવાર કરી ધરપકડ. 12 ધોરણ પાસ સરોજ ડોડીયા નામની મહિલા સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેની સીતાજી ટાઉનશિપના એક ક્વાટર્સમાં કરતી હતી ગેરકાયદે ગર્ભ પરીક્ષણ.. અગાઉ પોલીસના હાથે ઝડપાય ગયા બાદ સરોજે ગ્રાહકો શોધવા માટે મહિલા દલાલ પણ રાખી હતી. બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહકની મદદથી મહિલા દલાલનો સંપર્ક કરી સરોજ ડોડીયાને ગર્ભ પરીક્ષણ કરતા રંગેહાથ ઝડપી પાડી. પોલીસે સોનોગ્રાફી મશીન સહિત કુલ ચાર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. જો કે પોલીસના દરોડાની જાણ થતા મહિલા દલાલ ફરાર થઈ ગઈ.. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપી સરોજ ગર્ભ પરીક્ષણ માટે 16થી 20 હજાર રૂપિયા લેતી હતી. ગર્ભ પરીક્ષણ માટે આરોપી સરોજે મદ્રાસી પરિવારને ક્વાટર્સ ભાડે આપ્યુ હતુ. કોઈ ગ્રાહક આવે તો એક રૂમ આ પરિવાર ખાલી કરી આપતો હતો. હાલ તો આરોપી સરોજ સોનોગ્રાફી મશીન ક્યાંથી લાવી હતી, અન્ય કોઈ તેના આ ગોરખધંધામાં સંડોવાયેલુ છે કે નહીં તેની પોલીસ તપાસ કરી રહી છે..