ડીસામાં તાજેતરમાં થયેલા ભયાનક અગ્નિકાંડમાં 21 લોકોના મોત થયા હતા. આ ઘટનાના સંબંધમાં પકડાયેલ આરોપી દિપક મોહનાણી ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. આરોપી દિપક મોહનાણી ડીસા શહેર યુવા ભાજપ મોરચાનો પૂર્વ મંત્રી રહી ચૂક્યો છે.
મળતી માહિતી મુજબ, દિપક મોહનાણીની લગભગ સાત વર્ષ પહેલા ડીસા યુવા ભાજપમાં નિયુક્તિ કરવામાં આવી હતી. જો કે, પાર્ટીના કાર્યક્રમોમાં સમય ન આપતો હોવાના કારણે ભાજપે તેનું રાજીનામું લઈ લીધું હતું. નિયુક્તિના માત્ર દોઢ મહિનામાં જ બનાસકાંઠા યુવા ભાજપ પ્રમુખે તેની જવાબદારી સંભાળી લીધી હતી. આ ઘટના બાદ ડીસા શહેર યુવા ભાજપનો આ પૂર્વ મંત્રી ફટાકડા વિસ્ફોટ કાંડના મુખ્ય આરોપી તરીકે સામે આવ્યો છે.
દરમિયાન, આરોપી દિપક મોહનાણીનું ભાજપના હોદ્દા સાથેનું એક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. આ પોસ્ટરમાં દિપક મોહનાણી ડીસામાં અગાઉ નીકળેલ રથયાત્રાના પોસ્ટરમાં ભાજપ યુવા મોરચાના હોદ્દેદારોમાં પોતાના નામ અને હોદ્દા સાથે જોવા મળી રહ્યો છે. આ પોસ્ટરથી સ્પષ્ટ થાય છે કે દિપક મોહનાણી અગાઉ ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલો હતો.