પોરબંદર જિલ્લાના ફટાણા ગામે એક હૃદયદ્રાવક ઘટનામાં દલિત દંપતીના મોત થયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પતિ દ્વારા પત્નીની હત્યા કર્યા બાદ પોતે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બનાવથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
મૃતકોની ઓળખ મેરામણ કેશુ સાદીયા અને મનીષાબેન મેરામણ સાદીયા તરીકે થઈ છે. મેરામણભાઈનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે તેમના પત્ની મનીષાબેન શંકાસ્પદ હાલતમાં મૃત પામ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે પતિ-પત્ની વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો, જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પરિવારજનોના જણાવ્યા અનુસાર, મેરામણભાઈ અને મનીષાબેન ગઈકાલે મજૂરી કામ માટે ગયા હતા અને સાંજે ઘરે પરત ફર્યા બાદ રાત્રે બંને બાળકો, પિયુષ (ઉંમર 13) અને મિલન (ઉંમર 8) સાથે ભોજન લીધું હતું. રાત્રે પતિ-પત્ની વચ્ચે શું બન્યું તે હજુ અકબંધ છે, પરંતુ પોલીસનું માનવું છે કે મેરામણભાઈએ મનીષાબેનનું ગળું દબાવીને હત્યા કરી હતી અને ત્યારબાદ પોતે પણ ગળાફાંસો ખાઈ લીધો હતો.