મેક્સિકો-અમેરિકાની દીવાલ કૂદી જતાં ગાંધીનગર જિલ્લાના 32 વર્ષના યુવકનું મોત થયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ વ્યક્તિનું મૃત્યુ ત્યારે થયું જ્યારે તેઓ તેમની પત્ની અને ત્રણ વર્ષના બાળક સાથે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દરમિયાન મેક્સિકો-અમેરિકન દિવાલ જેને ડોનાલ્ડ ટ્રમ્પ બોર્ડર વોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના પરથી પડી જતા શખ્સનું મોત થયું હતું. મૃતકની ઓળખ ગાંધીનગર જિલ્લાના કલોલના રહેવાસી બ્રિજકુમાર યાદવ તરીકે થઈ છે. યાદવ કલોલ જીઆઈડીસીમાં નોકરી કરતો હતો. તે તેના પરિવાર સાથે ગેરકાયદેસર રીતે ત્યાં પહોંચ્યો હતો.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મેક્સિકો-યુએસ બોર્ડર પર હજારો લોકો કોવિડ મહામારીના નિયંત્રણો હટાવવા માટે યુએસ સુપ્રીમ કોર્ટની રાહ જોઈ રહ્યા છે, જેથી તેઓને આશ્રય મળી શકે. કલોલમાં રહેતો યાદવનો પરિવાર એજન્ટ મારફતે ત્યાં પહોંચ્યો હતો અને ફસાઈ ગયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ઉત્તર ગુજરાતના 40 લોકોમાં યાદવનો પરિવાર પણ સામેલ હતો. જેઓ તિજુનાથી મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને સાન ડિએગો પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જ્યારે યાદવે તેના ત્રણ વર્ષના પુત્ર સાથે સરહદ પાર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે અકસ્માત થયો અને તેને મૃત જાહેર કરવામાં આવ્યો. પુત્ર અને પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.