રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 300 દિવસ થઈ ગયા છે. બેમાંથી કોઈ દેશ ઝૂકવા તૈયાર નથી અને ભીષણ યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન રશિયાના પૂર્વ નાયબ વડાપ્રધાન દિમિત્રી રોગોઝીન યુક્રેનના હુમલામાં ઘાયલ થયા છે. પૂર્વી યુક્રેનના રશિયન-નિયંત્રિત વિસ્તારમાં એક હોટલ પર હુમલો થયો હતો, જેમાં દિમિત્રીને ખભા પાસે ઇજા થઇ હતી. દિમિત્રી રોગોઝીન રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસના ચીફ પણ રહી ચૂક્યા છે. બીબીસીના મતે ડોનેત્સ્ક શહેરની બહારના વિસ્તારમાં થયેલા આ હુમલામાં એક વ્યક્તિના મોતના સમાચાર છે. રશિયાના પ્રોક્સી ડોનેટ્સક પીપલ્સ રિપબ્લિકના વડા વિટાલી ખોતસેન્કો પણ હુમલામાં ઘાયલ થયા હોવાના અહેવાલ છે. રોગોઝિન તેમના પશ્ચિમી વિરોધી રેટરિક અને યુક્રેન પર રશિયન આક્રમણને સમર્થન આપવા માટે જાણીતા છે. તો બીજીબાજુ મળતી માહિતી પ્રમાણે પુતિન યુદ્ધ ખત્મ કરવાની વાત પર વિચાર કરી રહ્યાની ચર્ચા છે.