મોરબીમાં અકસ્માતનો ભોગ બનેલો ઝૂલતો બ્રીજ ઘણો જૂનો છે. આઝાદી પહેલા 1887 ની આસપાસ આ પુલ મોરબીના તત્કાલીન રાજા વાઘજી રવાજી ઠાકોર દ્વારા બનાવવામાં આવ્યો હતો. મચ્છુ નદી પરનો આ પુલ મોરબીના લોકો માટે એક મુખ્ય પ્રવાસન સ્થળ હતું. મોરબીના શાસકોના સમયમાં બાંધવામાં આવેલા આ પુલની વિશેષતા એ હતી કે જ્યારે તે બનાવવામાં આવ્યો ત્યારે તેના બાંધકામમાં યુરોપમાં અસ્તિત્વમાં રહેલી સૌથી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બ્રિટિશ શાસન દરમિયાન પણ આ પુલ શ્રેષ્ઠ એન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો રહ્યો હતો. છેલ્લા ઘણા સમયથી સમયાંતરે તેનું સમારકામ કરવામાં આવતું હતું. આ પુલ દિવાળી પર ખુલ્લો મુકાયો તે પહેલા સાત મહિના સુધી સમારકામ માટે બંધ રાખવામાં આવ્યો હતો. આ જ કારણ છે કે આ બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો પછી મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આ પુલ પર પહોંચ્યા અને ત્યારે જ આ અકસ્માત થયો. આ 1.25 મીટર પહોળો પુલ દરબાર ગઢ પેલેસ અને લખધીરજી એન્જિનિયરિંગ કોલેજને જોડે છે. તેના સમારકામ પાછળ 2 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.