ઉત્તર કોરિયાએ તેના શસ્ત્રોના પરીક્ષણોની શ્રેણીમાં જાપાનની ઉપરથી મિસાઇલ છોડી હતી. ઉત્તર કોરિયાએ પ્રશાંત મહાસાગરમાં જાપાન ઉપર ફાયરિંગ કર્યું હતું. કિમ જોંગ ઉનના આ કૃત્યથી જાપાનમાં ખળભળાટ મચી ગયો હતો. જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ ઉત્તર કોરિયાના મિસાઈલ પરીક્ષણની નિંદા કરી છે. જાપાનના કેટલાક વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે ટ્રેનોને રોકવામાં આવી છે.
અહેવાલો અનુસાર ઉત્તર કોરિયાએ 10 દિવસમાં આ પાંચમું બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણ કર્યું છે. એવી અટકળો છે કે સરમુખત્યાર કિમ જોંગ ઉન પાંચ વર્ષમાં તેમના પ્રથમ પરમાણુ પરીક્ષણની તૈયારી કરી રહ્યા છે.
ઉત્તર કોરિયાની મિસાઈલ જાપાની કોસ્ટ ગાર્ડ અને દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે શોધી કાઢી હતી. ત્યારબાદ ઉત્તર જાપાનના રહેવાસીઓને સલામત સ્થળોએ આશરો લેવાની સલાહ આપવામાં આવી છે. ઉત્તર-પૂર્વ હોક્કાઇડો અને ઓમોરી વિસ્તારોમાં ટ્રેન સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે.