કોરોના કાળના 2 વર્ષ બાદ હવે આ વર્ષે ફરીથી ધામધૂમથી નવરાત્રી યોજાવા જઇ રહી છે. હાલ ગુજરાતમાં ચોમાસું અંતિમ તબક્કામાં છે ત્યારે હવામાન વિભાગે ચોમાસાને લઈને મહત્વની આગાહી કરી છે. આ વખતે નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત હોવાનું જણાવ્યું છે. જેને લઈને ખેલૈયાઓમાં આનંદની લાગણી પ્રસરી છે. આસો સુદ એકમના રોજ સોમવારથી નવરાત્રીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.
હવામાન વિભાગ અનુસાર બે દિવસ બાદ રાજ્યમાંથી ચોમાસુ વિદાય લે તેવી શકયતા છે. આ ઉપરાંત રાજ્યમાં 22 અને 23 સપ્ટેમ્બરે છૂટોછવાયો વરસાદ વરસે તેવી પણ સંભાવના છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી 23 તારીખ સુધી સામાન્ય વરસાદ રહેશે. આજે નવસારી, વલસાડ, તાપી અને ડાંગ પંથકમાં મધ્યમ વરસાદ રહેવાની શક્યતા વ્યકત કરવામાં આવી છે. બે વર્ષ બાદ થઇ રહેલ નવરાત્રી માટે ગરબા રસિકોમાં એક પ્રકારનો થનગનાટ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓએ મહિનાઓ પહેલા ગરબાને લઈને તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે.