કોરોના મહામારીના 2 વર્ષ બાદ આ વખતે સુરતમાં ગણેશોત્સવને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી 31 ઓગસ્ટથી શરૂ થનારા ગણેશોત્સવને લઈને સમગ્ર શહેરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ગણેશ મંડળો દ્વારા વિવિધ ડેકોરેશન સાથે ગણેશજીની મૂર્તિ લાવવાની શરૂઆત થઈ ચૂકી છે. DJના તાલ સાથે વાજતે-ગાજતે ગણેશજીની મૂર્તિ લાવવામાં આવી રહી છે. આ દરમિયાન મોટી સંખ્યામાં ગણેશભક્તો DJના તાલે ઝૂમી રહ્યાં હોવાનો વીડિયો સામે આવ્યો છે.
ગણેશજીની મૂર્તિની ઊંચાઈની વાત હોય, ગણેશ પંડાલોની હોય, બેન્ડવાજાની હોય કે પથી ગણેશોત્સવ દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોની હોય, આ વખતે સુરતમાં વિશેષ રહેશે. આ માટે અનેક આયોજકો મુંબઈની જેમ તૈયારી કરી રહ્યાં છે.
આ ઉપરાંત કેટલાક ગણેશ ભક્તો એવા પણ છે, જેઓ પ્રથમ વખત ગણેશ પરિવાર સાથે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવાના છે. એટલે કે, ગણેશજી પોતાની પત્ની રિદ્ધિ-સિદ્ધિ, પુત્ર શુભ-લાભ, પુત્રી સંતોષી માતા અને પૌત્ર આનંદ પ્રમોદ સાથેની મૂર્તિની સ્થાપના કરશે.